December 4, 2024
એપ્રિલ 2021થી જૂન 2024 દરમિયાન ગુજરાતમાં GSTના 3.38 લાખથી વધુ રજીસ્ટ્રેશન રદ્દ થયા

એપ્રિલ 2021થી જૂન 2024 દરમિયાન ગુજરાતમાં GSTના 3.38 લાખથી વધુ રજીસ્ટ્રેશન રદ્દ થયા

બિઝનેસ ખબરી, અમદાવાદ:

ગુજરાતમાં વિતેલા સવા ત્રણ વર્ષ દરમિયાન GSTના 3.38 લાખથી વધુ રજીસ્ટ્રેશન રદ્દ થયા છે. ચાલુ નાણાકીય વર્ષમાં જ એપ્રિલ-જૂન વચ્ચે 50,298 નોંધણીઓ રદ્દ થઈ હતી. રાજ્યસભામાં સરકારે આપેલી માહિતી મુજબ વાર્ષિક ધોરણે જોઈએ તો ગુજરાતમાંથી દર વર્ષે સરેરાશ 95,000-96,000 જેટલા GST રજીસ્ટ્રેશન કેન્સલ થાય છે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ઓગસ્ટમાં પૂછેલા સવાલોના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી.

કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા ગુજરાતમાં ગુજરાતમાં GST ચોરી અંગે પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કેન્દ્ર સરકારે માહિતી આપી હતી કે, જુલાઇ 2017 થી જૂન 2024 દરમિયાન ટેક્સની ચોરીને લગતા 13,494 કેસ કરવામાં આવ્યા છે. જેમાં અંદાજે રૂ. 52,394 કરોડની GST ચોરી પકડી પાડવામાં આવી છે. આ સાથે જ આમાં સંકળાયેલા 214 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

રાજ્યસભામાં રજૂ થયેલા આંકડા મુજબ એપ્રિલ 2021થી જૂન 2024 દરમિયાન દેશમાં કુલ 48.58 લાખ GST રજીસ્ટ્રેશન કેન્સલ થયા છે. આમાંથી ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 7.34 લાખ રજીસ્ટ્રેશન કેન્સલ થયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 3.87 લાખ અને કર્ણાટકમાં 3.72 લાખ GST રજીસ્ટ્રેશન કેન્સલ કરાવવામાં આવ્યા છે. ગુજરાતના આંકડા જોઈએ તો મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા બિઝનેસ સ્ટેટથી વિપરીત ગુજરાતમાં રજીસ્ટ્રેશન રદ્દ થવાનું પ્રમાણ ઘટ્યું છે. 2021-22માં રાજ્યમાં 99,399 નોંધણીઓ રદ્દ થઈ હતી, તેની સામે 2023-2024માં 93,163 રજીસ્ટ્રેશન કેન્સલ થયા હતા.

આ સમયગાળામાં GST રજિસ્ટ્રેશન રદ થવાના મુખ્ય કારણો અંગે સરકારે જવાબ આપ્યો હતો કે, ધંધો બંધ કરવો અથવા થઈ જવો, માલિકનું મૃત્યુ, રિટર્ન ભરવામાં નિષ્ફળતા, વ્યવસાયનું વિલીનીકરણ, કાયદાની જોગવાઈઓનું પાલન ન થવું, વ્યવસાયના બંધારણમાં ફેરફાર, અમાન્ય બેંક એકાઉન્ટ, છેતરપિંડી, ઇરાદાપૂર્વક ખોટું નિવેદન અથવા હકીકતો આપીને નોંધણી થઈ હોય તે માટે રજીસ્ટ્રેશન કેન્સલ થયા છે.

 

રાજ્ય 2021-22 2022-23 2023-24 2024-25
(till June, 2024)
ઉત્તર પ્રદેશ 1,89,872 2,29,697 2,21,244 93,305
મહારાષ્ટ્ર 1,61,439 1,75,403 1,50,990 56,919
તમિલનાડુ 95,813 1,43,267 1,11,599 36,525
કર્ણાટક 82,264 1,24,358 1,20,275 45,499
ગુજરાત 99,399 95,523 93,163 50,298
રાજસ્થાન 68,075 1,06,955 90,357 31,522
દિલ્હી 93,214 68,188 59,719 48,562
બિહાર 69,626 70,383 84,251 25,748
હરિયાણા 57,580 68,629 71,972 22,485
તેલંગાણા 40,316 67,654 80,048 13,746

સોર્સ: રાજ્યસભા