બિઝનેસ ખબરી, અમદાવાદ:
દિવાળીનો તહેવાર એવો છે જ્યારે મોટાભાગના વેપાર ધંધામાં તેજી જોવા મળતી હોય છે. પરંતુ પેટ્રોલિયમ એક એવું સેક્ટર છે જેમાં દિવાળીના દિવસોમાં વેચાણ ઘટી જાય છે. પેટ્રોલ પંપ માલીકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં દિવાળીના દિવસોમાં પેટ્રોલનું વેચાણ 25% સુધી ઘટી જાય છે, જ્યારે ડીઝલની ખપતમાં 40% સુધીનો ઘટાડો થયો છે. ઓફિસોમાં રજા અને શાળા-કોલેજોમાં વેકેશન હોવાથી વાહન વ્યવહાર એકદમ ઓછો થઈ જાય છે. જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના વેચાણ ઉપર આવે છે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું કે, ડીઝલની ખપત મુખ્યત્વે ટ્રક અને ટ્રાન્સપોર્ટ વાહનોમાં થાય છે. તહેવારોમાં દિવાળીથી મોટાભાગની બજારો બંધ હોય છે તેમજ ઔદ્યોગિક કામગીરી પણ ઓછી હોય છે. આ દિવસોમાં ટ્રક અને માલ-સામાનના હેરફેરની કામગીરી લગભગ બંધ જેવી હોય છે. જેના કારણે ડીઝલનું વેચાણ અંદાજે 40% ઘટ્યું છે. બીજી તરફ ઓફિસો અને સ્કૂલ-કોલેજોમાં રજા હોવાને કારણે તું-વ્હીલર્સ તેમજ કારનો વપરાશ પણ ઓછો હોય છે. આનાથી પેટ્રોલના વેચાણમાં આશરે 25% જેટલો ઘટાડો થયો છે.
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના દૈનિક વેચાણના આંકડા જોઈએ તો, રાજ્યમાં રોજનું 82 લાખ લિટર પેટ્રોલ અને 1.67 કરોડ લિટર ડીઝલનું વેચાણ રહે છે. તહેવારોના કારણે પેટ્રોલમાં રોજનું 20 લાખ લિટર વેચાણ ઘટ્યું છે જ્યારે ડીઝલના વેચાણમાં 67 લાખ લિટર જેટલો ઘટાડો થયો છે. પેટ્રોલિયમ ડીલર્સનું માનવું છે કે, ધીમે ધીમે બજારો ખૂલી રહી છે અને ઓફિસો પણ શરૂ થઈ છે તે જોતાં આવતા સપ્તાહથી વેચાણ સામાન્ય થઈ જવાની ધારણા છે.
ફેડરેશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ કહ્યું કે, તહેવારોના દિવસોમાં લોકો ફરવા જતાં હોય છે અથવા અમદાવાદ, સુરત જેવા મોત શહેરોમાંથી પોતાના વતન જતાં હોય છે જેના કારણે શહેરી વિસ્તારમાં પેટ્રોલિયમ પેદાશોના વેચાણમાં ઘટાડો વધારે થાય છે. બીજી તરફ ચાલુ દિવસોમાં હાઇવે ઉપરના પેટ્રોલ પંપ પર વેચાણ સામાન્ય રીતે ઓછું હોય છે. હવે ઘણા લોકો પોતાના વાહનમાં પ્રવાસ કરે છે તેના કારણે તહેવારોમાં હાઇવે ઉપરના પેટ્રોલ પંપ ઉપરથી વેચાણ થોડું વધી જાય છે.