October 16, 2024
અમદાવાદમાં દર મહિને રૂ. 1 કરોડથી વધુ કિમતના 315 જેટલા ઘરોનું વેચાણ, પ્રીમિયમ કેટેગરીમાં 97% વેચાણ વધ્યું

અમદાવાદમાં દર મહિને રૂ. 1 કરોડથી વધુ કિમતના 315 જેટલા ઘરોનું વેચાણ, પ્રીમિયમ કેટેગરીમાં 97% વેચાણ વધ્યું

બિઝનેસ ખબરી, અમદાવાદ:

અમદાવાદમાં વધી રહેલા આર્થિક વિકાસના પગલે પ્રીમિયમ કેટેગરીના ઘરોના વેચાણમાં લગભગ બમણો વધારો થયો છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટફ્રેન્કના 2024ના અર્ધવાર્ષિક રીપોર્ટ (જાન્યુઆરી-જૂન) મુજબ અમદાવાદમાં જાન્યુઆરી-જૂન 2023માં રૂ. 1 કરોડ અને તેનાથી વધારેની કિમતના 958 ઘરોનું વેચાણ થયું હતું તેની સામે 2024માં 1893 ઘરોનું વેચાણ નોંધાયું છે. પ્રીમિયમ કેટેગરીમાં વેચાણ ગત વર્ષ કરતા 97% જેટલું વધ્યું છે. શહેરના રેસીડેન્શિયલ માર્કેટના કુલ વેચાણમાં પ્રીમિયમ હાઉસિંગનો હિસ્સો 12%થી વધીને 20% થયો છે.

નાઈટફ્રેન્કના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર અને અમદાવાદ બ્રાન્ચના ડિરેક્ટર બલબીરસિંહ ખાલસાએ કહ્યું કે, સ્થાનિક સ્તરે આર્થિક વાતાવરણ બદલાયું છે અને સાથે જ દેશના અન્ય શહેરોની સરખામણીએ અમદાવાદમાં પ્રતિ સ્ક્વેર ફૂટ ભાવ એફોર્ડેબલ છે તેના કારણે રેસીડેન્શિયલ માર્કેટમાં વેચાણ વધ્યું છે. આગામી 6 મહિનામાં તહેવારો આવી રહ્યા છે તે જોતા 2024ના વર્ષમાં ઘરોનું વેચાણ નવી ઉંચાઈએ પહોચશે તેવું લાગી રહ્યું છે.

રીપોર્ટ મુજબ અમદાવાદમાં આ વર્ષે 9377 ઘરોનું વેચાણ થયું છે જે ગત વર્ષે સમાન ગાળાના 7982 યુનિટ કરતા 17% વધુ છે. અર્ધવાર્ષિક ધોરણે અમદાવાદમાં મકાનનું વેચાણ તેની 10 વર્ષની ટોચે છે. જોકે, વેચાયા વગરના મકાનોની સંખ્યા 30,222 યુનિટ્સ હોય આ વર્ષે નવા પ્રોજેક્ટના લોન્ચિંગમાં 3% જેવો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. રીપોર્ટ મુજબ જાન્યુઆરી-જૂન દરમિયાન 10,238 ઘરો માટેના પ્રોજેક્ટ્સ લોન્ચ થયા હતા. ગત વર્ષે 10,556 યુનિટ્સ માટેના પ્રોજેક્ટ્સ શરુ થયા હતા.

ચાલુ કેલેન્ડર વર્ષના અર્ધવાર્ષિક ગાળામાં થયેલા કુલ વેચાણમાં રૂ. 50 લાખ સુધીના ઘરોનો માર્કેટ શેર 54%થી ઘટીને 39% થયો છે. તેવી જ રીતે રૂ. 50 લાખથી 1 કરોડ સુધીની હાઉસિંગ પ્રોપર્ટીનો શેર 35%થી વધીને 41% ઉપર પહોચ્યો છે.

અમદાવાદમાં અર્ધવાર્ષિક ગાળામાં મકાનોનું વેચાણ

 વર્ષ વેચાણ
2015 7751
2016 8556
2017 7941
2018 8087
2019 8212
2020 2520
2021 4208
2022 8197
2023 7982
2024 9377

સોર્સ: નાઈટફ્રેન્ક ઇન્ડિયા