-
-
GCCIના “ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવ 2025″માં કપાસની વૃદ્ધિ તેમજ સુધારો, ટેક્નિકલ ટેક્સટાઇલ સંલગ્ન સ્ટાર્ટઅપ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું
-
બિઝનેસ ખબરી, અમદાવાદ:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા “ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવ 2025″નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્કલેવમાં ટેક્નિકલ ટેક્સટાઇલ, કપાસ પાકની વૃદ્ધિ તેમજ સુધારો અને ટેક્નિકલ ટેક્સટાઇલ સાથે સંલગ્ન સ્ટાર્ટઅપ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
GCCIના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે, પાછલા વર્ષોમાં આયોજિત ટેક્સટાઇલ લીડરશીપ કોન્ક્લેવના અનુભવને આધારે વર્તમાન કોન્ક્લેવનું આયોજન થયું છે જેનું ધ્યેય ટેક્સટાઇલ ઉદ્યોગને અસર કરતા અનેકવિધ પરિબળો તેમજ ઉદ્યોગની વિવિધ જરૂરિયાતો બાબતે ઊંડાણમાં ચર્ચા-વિચારણા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. ટેક્સટાઇલ ક્ષેત્રના વિકાસ માટે તેમજ આ ક્ષેત્રે ભારતની સ્થિતિ મજબૂત બનાવવા તેમજ ટેક્સટાઇલ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કરવા માટે “ટેક્નિકલ ટેક્સટાઇલ”ના પરિવર્તનકારી રોલ મહત્વનો છે.
મુખ્ય વક્તાઓ:
કોન્ક્લેવ દરમિયાન ટેક્સટાઇલ ઉદ્યોગના અનુભવી તજજ્ઞોએ ખુબ જ પ્રોત્સાહિત કરતાં વક્તવ્ય આપ્યા હતા. ઉપસ્થિત વક્તાઓ નિમ્નલિખિત હતા.
-
- સુંદરરામન કે. એસ. મેનેજીંગ ડાયરેક્ટર, શિવ ટેક્સ યાર્ન લિમિટેડ. તેઓએ ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જરૂરી વિવિધ સસ્ટેનેબલ પદ્ધતિ તેમજ જરૂરી ઇનોવેશન વિશે વાત કરી હતી.
- યોગેશ કાંતિલાલ કુસુમગર, સ્થાપક, કુસુમગર પ્રાઇવેટ લિમિટેડ. તેઓએ વિવિધ ઉપયોગો માટે ઉચ્ચ કોટિની સામગ્રી બનાવવા માટે ટેક્નિકલ ટેક્સટાઇલ ની ભૂમિકા વિશે વાત કરી હતી.
- નીરવ મહેતા, પાર્ટનર, દીમા પ્રોડક્ટ્સ. તેઓએ વિવિધ ઉત્પાદનો ના વિકાસ માટે તેમજ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનવા માટે ટેકનિકલ ટેક્સટાઈલ ના મહત્વ વિશે વાત કરી હતી.
GCCI ટેક્સટાઇલ ટાસ્કફોર્સનાં ચેરમેન સૌરીન પરીખે જણાવ્યું કે, ટેક્સટાઇલ ઉદ્યોગના સંપૂર્ણ વિકાસ માટે તે બાબત ખુબ જ જરૂરી છે કે ક્ષેત્રીય તેમજ વૈશ્વિક જોડાણ, ઇનોવેશન અને ટેક્સટાઇલ ક્ષેત્રે નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે. ટેક્સટાઇલ કોન્ક્લેવના હેતુઓ અને વિવિધ ક્ષેત્રો જેવા કે હેલ્થકેર, કૃષિ ઉદ્યોગ, બાંધકામ, ફેશન વગેરે ક્ષેત્રોમાં “ટેક્નિકલ ટેક્સટાઇલ”ની ભૂમિકા આજના સમયમાં ઘણી મહત્વપૂર્ણ છે.
વિવિધ પેનલ ડિસ્કશન: ભારત ખાતે ટેક્નિકલ ટેક્સટાઇલ ક્ષેત્રે અનેકવિધ તકો:
આ સમયે આયોજિત પેનલ ડિસ્કશનનું સુંદર સંચાલનઅશ્વિન ઠક્કરે કર્યું હતું કે જેઓ GCCI ટેક્સટાઇલ ટાસ્કફોર્સ ના સલાહકાર છે. પ્રસ્તુત પેનલ ડિસ્કશનમાં આ ક્ષેત્રના વિવિધ તજજ્ઞોએ ભાગ લીધો હતો.
-
- નીરવ શાહ, ડાયાગોનલ કન્સલ્ટિંગ (ઇન્ડિયા)
- કુમાર અભિષેક, યુનિફાઇડ નોલેજ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ
- અમિત બગથલીયા, હેલ્થ ટુ હાઇજીન
- વિકાસ શર્મા, ઘેરજી કન્સલ્ટિંગ એન્જીનેઅર્સ પ્રાઇવેટ લિમિટેડ
બધાજ તજજ્ઞોને ટેક્નિકલ ટેક્સટાઈલ ક્ષેત્રે પ્રાપ્ય અનેકવિધ તકો તેમજ વિભિન્ન ઉદ્યોગોમાં તેના ઉપયોગ વિષે ઊંડાણથી ચર્ચા કરી હતી. તેઓની વિસ્તૃત ચર્ચાના ખાસ મુદ્દા નીચે મુજબ હતા.
-
- હેલ્થકેર, કૃષિઉદ્યોગ તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઝડપથી વધી રહેલ ટેક્નિકલ ટેક્સટાઈલની માંગ.
- આ ક્ષેત્રે ઉત્કૃષ્ટ ઉત્પાદન શક્ય કરવા બાબતે ઇનોવેશન તેમજ રિસર્ચ અને ડેવલપમેન્ટની તાતી જરૂરિયાત
- ટેક્નિકલ ટેક્સટાઇલ ક્ષેત્ર માટે સરકારની નીતિ તેમજ ઉત્કૃષ્ટ વિકાસ પ્રાપ્ત કરવા વિવિધ જોડાણ (કોલેબોરેશન) ની જરૂરિયાત.
કોટન ક્રોપ યીલ્ડ મિશન
આ સમયે આયોજિત ખાસ સત્રમાં કોટન ઉત્પાદન ની વર્તમાન સ્થિતિ તેમજ ભવિષ્યની શક્યતાઓ વિષે ચર્ચા કરવામાં આવી હતી જેના કેન્દ્રસ્થાને વિવિધ સસ્ટેનેબલ પદ્ધતિઓ તેમજ મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત કરવા અત્યાધુનિક કૃષિ પદ્ધતિઓ અંગેની ચર્ચા રહ્યા હતા. આ સમગ્ર સેશન માનનીય કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ 2025માં જાહેર કરવામાં આવેલ “કપાસ ઉત્પાદકતા મિશન” સાથે ખાસ સુસંગત બની રહ્યું હતું. પ્રસ્તુત પંચવર્ષીય મિશન આપણા દેશના કપાસ ઉત્પાદનને વર્તમાન પ્રતિ હેકટર 461 કિલોગ્રામ થી વધારી વૈશ્વિક પ્રતિ હેકટર ઉત્પાદન 850 કિલોગ્રામ તરફ લઇ જવાનું છે તેમજ તે બાબત પર પણ કેન્દ્રિત છે કે આપણા દેશમાં જ આપણે “એક્સટ્રા લોન્ગ” કપાસ ની વિવિધ જાતિ નું ઉત્પાદન કરીએ.
વિવિધ કૃષિકારોનું બહુમાન
આ પ્રસંગે કપાસ ઉત્પાદન ક્ષેત્રે જેઓનું ખુબ જ નોંધનીય પ્રદાન રહેલું છે તેવા કૃષિકારો નું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રાષ્ટ્રીય સરેરાશ ઉત્પાદન કરતાં પણ વિશેષ ઉત્પાદન માટે તેઓની પ્રસંશા કરવામાં આવી હતી.
-
- દમરેલા રામરેડી
- સંજય ઓટાડે
- જગદીશ ગોયાણી
- રાજેશ કરવસરા
વિવિધ મહિલા ઉત્પાદકોનું બહુમાન
આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના સંદર્ભમાં વિવિધ મહિલા ઉદ્યોગકારોનું તેઓના ટેક્નિકલ ટેક્સટાઇલ ક્ષેત્રે નોંધનીય પ્રદાન માટે બહુમાન કરવામાં આવ્યું હતું.
-
- જ્યોતિકા નગરી, ડિરેક્ટર, અંબિકા પોલિમર પ્રા. લિ.
- નૂપુર સોલંકી, સી.ઈ.ઓ ઓમ ઇન્ડસ્ટ્રીઅલ ફેબ્રિક્સ
સ્ટાર્ટઅપ પ્રસ્તુતિ
ટેક્સટાઇલ કોન્ક્લેવ થકી વિવિધ ઇનોવેટિવ સ્ટાર્ટઅપ એકમોને પણ તેઓના આમૂલ પરિવર્તન લાવતી વિવિધ પદ્ધતિઓ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
-
- આશ્રય આર્કિટેક્ચર સોલ્યુશન – આ સ્ટાર્ટઅપના ફાઉન્ડર સંજય બાંભણીયાએ ટેક્નિકલ ટેક્સટાઇલ ના ઉપયોગ થકી વિવિધ આર્કિટેક્ચરલ વિકલ્પો પ્રસ્તુત કર્યા હતા.
- ઓરગ્રો ફાઈબર એલ.એલ.પી : આ સ્ટાર્ટઅપના ફાઉન્ડર ગૌરવ પરમારે ટેક્નિકલ ટેક્સટાઇલ ક્ષેત્રે ઓર્ગેનિક ફાઈબર ના ઉપયોગ અંગે પ્રસ્તુતિ કરી હતી.
- બ્રેઇડ્સ ઇન્ડિયા: આ સ્ટાર્ટઅપના ફાઉન્ડર નીલ પટેલે વિવિધ ઉદ્યોગોમાં બ્રેઇડેડ ટેક્સટાઈલના ઇનોવેટિવ ઉપયોગો વિશે વાત કરી હતી.
ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ જિનિંગ, સ્પિનિંગ, વીવિંગ, પ્રોસેસિંગ, ગારમેન્ટિંગ, ટેક્નિકલ ટેક્સટાઇલ તેમજ મશીનરી વગેરેના સમગ્ર દેશમાંથી આવેલ વિવિધ સહભાગીઓએ આ કોન્ક્લેવમાં સક્રિય ભાગ લીધો હતો.
