October 16, 2024
સતત વધતા ભાવે લગ્ન માટે સોનાની ખરીદી કરવા ઇચ્છુક પરિવારોની બાજી બગાડી

સતત વધતા ભાવે લગ્ન માટે સોનાની ખરીદી કરવા ઇચ્છુક પરિવારોની બાજી બગાડી

  • વીતેલા ચાર દિવસમાં સોનામાં રૂ. 1,700નો વધારો

 

બિઝનેસ ખબરી, અમદાવાદ:

વૈશ્વિક બજારો પાછળ મંગળવારે અમદાવાદ ખાતે 10 ગ્રામદીઠ રૂ. 900ના વધારા સાથે સોનું સૌથી ઉંચી સપાટીએ પહોચ્યું છે. સોનામાં લગભગ છેલ્લા એક સપ્તાહથી સતત ભાવ વધી રહ્યા છે. આના કારણે લગ્નગાળા માટે ઘરેણાની જે ખરીદી થઇ રહી હતી તે અટકી પડી છે. અમદાવાદના જવેરીઓના જણાવ્યા પ્રમાણે પાછલા ૨ દિવસથી જ્વેલરીની માગ એકદમ ઘટી ગઈ છે. બજાર નિષ્ણાતોના મતે US ફેડરલ રીઝર્વ જુનમાં વ્યાજદરમાં વધારો કરશે તે સંભાવનાએ સલામત રોકાણ માટે સોનાની ખરીદી વધી છે જેથી વૈશ્વિક સ્તરે ભાવ વધી રહ્યા છે.

અમદાવાદ જ્વેલરી એસોશિએશનના આશિષ ઝવેરીએ જણાવ્યું કે, આવનારી લગ્નની સિઝનમાં જેમના ઘરે પ્રસંગ હોય તે લોકો અત્યારે ઘરેણાની ખરીદી કરતા હોય છે. ચાલુ મહિનાની શરૂઆતથી જ સોનામાં ભાવ સતત ઊંચકાઈ રહ્યા છે. આના કારણે લગ્ન માટેના ઘરેણા ખરીદવા આવતા લોકોની ઘરાકી ઘણી ઓછી થઇ ગઈ છે. વર્તમાન પરિસ્થિતિએ ઘરાકી વધશે નહિ અને ભાવ ઘટે પછી લોકો સોનું લેશે.

અમદાવાદના ભાવ જોઈએ તો 24 કેરેટ સોનાનો ભાવ મંગળવારે રૂ. 900 વધીને રૂ. 66,500 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ સપાટીએ પહોચી ગયા હતા. તેવી જ રીતે 22 કેરેટ સોનું રૂ. 66,300 પ્રતિ 10 ગ્રામ થયું હતું. બીજી તરફ ચાંદી ચોરસા કિલો દીઠ રૂ. 2,000 વધીને રૂ. 73,000 થયા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2123 ડોલરના સ્તરે પહોચ્યું હતું.

રિસર્ચ એનાલિસ્ટ જાતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, યુએસ ફેડરલ રિઝર્વ જૂનમાં વ્યાજદરમાં ઘટાડો કરશે એવી અટકળોથી સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે વધેલા જીયો-પોલિટીકલ તણાવથી ગોલ્ડમાં શોર્ટ સેલિંગ ઘટ્યું છે અને ખરીદી માટે સોનાના આકર્ષણમાં વધારો થયો છે. માર્કેટ સેન્ટિમેન્ટ મુજબ જૂનમાં ફેડ વ્યાજ દરમાં ઘટાડો કરે તેની 71% સંભાવના છે.  સંભવિત અસ્થિરતાને કારણે રોકાણકારોએ સાવચેતી રાખવી જોઈએ. બજારની વધઘટ સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવા માટે આ સમયગાળા દરમિયાન પોઝિશન્સમાં વધુ પડતા એક્સપોઝરને ટાળવાની સલાહ છે.

સોનાના ભાવમાં આવેલી મુવમેન્ટ

તારીખ ભાવ (રૂ./10 ગ્રામ)
29 ફેબ્રુઆરી 64,200
1 માર્ચ 64,800
2 માર્ચ 65,300
4 માર્ચ 65,600
5 માર્ચ 66,500