બિઝનેસ ખબરી, અમદાવાદ:
ઓકટોબર મહિનાથી મગફળીની નવી આવકો શરૂ થઈ છે ત્યારે સોલવન્ટ એકસટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA)એ ગુજરાતમાં મગફળીના ઉત્પાદનનો એક સર્વે કર્યો હતો. આ સર્વે મુજબ આ વર્ષે રાજ્યમાં મગફળીનું 42.19 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે જે ગત ખરીફ સિઝનના 33.45 લાખ ટન થયું હતું. ગત વર્ષની સરખામણીએ ખેડૂતોએ મગફળીનું વાવેતર વધુ કરતાં ઉત્પાદન 26% વધવાની ધારણા છે.
SEAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી વી મહેતાએ જણાવ્યું કે, ગુજરાતમાં વાવેતર વિસ્તારમાં વધારો અને સાનુકૂળ હવામાન રહેતા આ વર્ષે મગફળીનું ઉત્પાદન વધશે. અમારા સર્વેમાં ગયા વર્ષના હેક્ટર દીઠ 2,045 કિલોની ઉપજ સામે આ વર્ષે ઉત્પાદકતા 8% વધીને 2,210 કિલો પ્રતિ હેક્ટર નોંધાઈ છે. આ ઉપરાંત રાજ્યમાં વાવેતર વિસ્તાર પણ ઘણો વધ્યો છે. ગત ખરીફ સિઝનના 16.35 લાખ હેક્ટર સામે આ વર્ષે મગફળીનું વાવેતર 2.75 લાખ હેક્ટર વધીને 19.09 લાખ હેક્ટર સુધી પહોંચ્યું હતું.
મગફળી ઉત્પાદનના ટોપ-10 જિલ્લા
જિલ્લો | 2023-24 | 2024-25 |
દ્વારકા | 5.8 | 5.43 |
રાજકોટ | 3.95 | 5.36 |
જુનાગઢ | 4.9 | 5.2 |
જામનગર | 3.25 | 4.78 |
અમરેલી | 1.5 | 3.92 |
બનાસકાંઠા | 2.9 | 3.87 |
ભાવનગર | 1.7 | 2.14 |
ગીર સોમનાથ | 1.9 | 2.1 |
પોરબંદર | 1.95 | 1.9 |
સાબરકાંઠા | 1.25 | 1.76 |
સોર્સ: SEA, ઉત્પાદન લાખ ટનમાં
સર્વે મુજબ દ્વારકા, જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં દરેકમાં 5 લાખ ટનથી વધારેનું ઉત્પાદન થવાનો અંદાજ છે. ઉત્પાદકતાની રીતે સૌથી વધુ જામનગર જિલ્લામાં 2,625 કિલો પ્રતિ હેક્ટર ઉપજ જોવા મળી હતી જ્યારે સુરેન્દ્રનગરમાં સૌથી ઓછી 1,375 હેક્ટર ઊપજ નોંધાઈ હતી. સૌરાષ્ટ્ર વિસ્તાર સિવાય કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં પણ હેક્ટર દીઠ 2,100-2,250 કિલો ઉત્પાદકતા રહેવાનો અંદાજ છે.