બિઝનેસ ખબરી, અમદાવાદ:
ખંભાત તાલુકાના કલમસર અને વતરા ગામ પાસે આવેલી એક કેમિકલ ફેક્ટરી દ્વારા ફેલાવવામાં આવી રહેલા પ્રદૂષણના કારણે પર્યાવરણણે તો નુકસાન થઈ જ રહ્યું છે, સાથે સાથે આસપાસના ગામોમાં રહેતા હજારો લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ મોટું જોખમ ઊભું થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેમિકલ ડાયઝની ફેક્ટરી બેફામ બનીને પ્રદૂષણ ફેલાવે છે તેમ છતાં સ્થાનિક તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તેની વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.
ખંભાતનો વિસ્તાર કેમિકલ હબ તરીકે ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે. અહી જે કેમિકલ કંપનીઓના એકમો આવેલા છે તેમાં મોટાભાગે પોલ્યુશનના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. તેના કારણે આ વિસ્તારમાં પાણી તેમજ હવાનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. આવી ફેક્ટરીઓમાંથી નીકળતી પ્રદૂષિત હવાના કારણે આસપાસના ગામોમાં રહેતા લોકોમાં આંખ અને શ્વાસ લેવામાં તકલીફ થવા જેવી બીમારીઓ સામે આવી રહી છે. આમાં સૌથી વધુ જોખમી બાબત એ છે કે આ ફેક્ટરીની નજીક જ એક સરકારી શાળા છે અને પ્રદૂષણના કારણે અહી ભણતા બાળકોના સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યા છે.
નિયમ મુજબ કેમિકલ ફેક્ટરીએ દૂષિત પાણીને ટ્રીટ કરી અને તેની નિકાલ કરવાનો હોય છે. જોકે અમુક કેમિકલ ફેકટરીના માલિકો પૈસા બચાવવા આ નિયમનું સરેઆમ ઉલ્લંઘન કરે છે અને પ્લાન્ટમાંથી ટ્રીટ કર્યા વગરનું પાણી આસપાસના નદી-નાળામાં છોડી દેવામાં આવે છે. એટલું જ નહીં ચોમાસામાં દરમિયાન તો ઘણીવાર પાણીને રસ્તા પર એમ જ વહાવી દેવામાં આવે છે જે સીધું જ ડેમમાં જાય છે. આના કારણે લોકોને પીવાનું જે પાણી મળે છે તેમાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ સાથે જ ખરાબ પાણીના કારણે ખેતીની જમીન પણ બગડી રહી હોવાની ફરિયાદો થઈ રહી છે. આસપાસમાં લોકો બોર ખોદે છે તો તેમાંથી લાલ પાણી નીકળી રહ્યું છે.
પર્યાવરણ સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે, કેમિકલ ફેક્ટરીમાંથી નીકળતા હવા અને પાણીના પ્રદૂષણથી આસપાસના લોકોને, ખેતીને તેમજ પશુઓની આરોગ્યને હાનિ થઈ રહી છે. આના કારણે ચામડીના, આંખના રોગો, કેન્સર, કિડનીની બીમારી સહિતની સમસ્યા ફેલાઈ શકે છે. આ ઉપરાંત ખેતીવાડીમાં જમીન ખરાબ થશે તો ઉપજ પણ ઓછી થશે. પશુઓને પ્રદૂષિત પાણી અને ખોરાક મળશે તો તેનું દૂધ પીતા લોકો અને ખાસ તો બાળકોના આરોગ્યને ભયંકર જોખમ ઊભું થશે. આમાં ત્વરિત કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો લાંબાગાળે સમગ્ર ખંભાત પંથકને મોટું નુકસાન થશે. માત્ર GPCB જ નહીં પણ પાણી પુરવઠા વિભાગ તેમજ સરકારના અન્ય વિભાગોએ આમાં સક્રિય ભૂમિકા ભજવી અને આને રોકાવું જોઈએ.
આ અંગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના સ્થાનિક અધિકારીઓને જાણકારી હોવા છતાં પણ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે કોઈ શિક્ષાત્મક પગલાં ભરવામાં આવતા નથી. અધિકારીઓ આ કંપનીઓમાં તપાસ માટે જાય છે ત્યારે ખોટું થતું હોવાનું સામે આવે છે તો પણ તે નજરઅંદાજ કરી દેવામાં આવે છે. એવું પણ ચર્ચાય છે કે આવા લોકોને રાજકીય પીઠબળ મળતું હોવાથી તેમાંની સામે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કોઈ કાર્યવાહી કરતું નથી.
એવું પણ જાણવા મળે છે કે ખંભાતના એક સામાજિક કાર્યકારે અગાઉ આ ફેક્ટરી સામે ફરિયાદ કરી હતી. તે વખતે ફેક્ટરીના માલિકોએ તેને કાયદાકીય ખોટી રીતે હેરાન કર્યા હતા. બહુ વધારે ફરિયાદ ઉઠે તો આવી કંપનીઓને તંત્ર દ્વારા માત્ર નોટિસો આપીને સંતોષ માની લેવામાં આવે છે.