- શિવાલિક ગ્રુપે વૈષ્ણોદેવી સર્કલ પાસે 30 માળનો આઇકોનીક બિલ્ડિંગ પ્રોજેક્ટ લોન્ચ કર્યો
બિઝનેસ ખબરી, અમદાવાદ:
ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આવેલું વૈષ્ણોદેવી જંકશન હવે કોર્પોરેટ કંપનીઓ માટે પહેલી પસંદ બની રહ્યું છે. તેના કારણે આ વિસ્તારમાં ઘણા કોમર્શિયલ પ્રોજેક્ટ્સ પણ આવી રહ્યા છે. ડેવલપર્સના જણાવ્યા પ્રમાણે, અદાણી, ઝાયડસ, રિલાયન્સ જેવા લાર્જ કોર્પોરેટ્સ પહેલાથી જ અહી હાજર છે ત્યારે હવે ગુજરાત અને દેશના મિડ સાઇઝ એન્ટરપ્રાઇઝ વૈષ્ણોદેવી તરફ આવી રહ્યા છે. અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રુપ પણ આ વિસ્તારમાં 30 માળનો આઇકોનીક બિલ્ડિંગ બનાવી રહ્યું છે.
શિવાલિક ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર તરલ શાહે જણાવ્યું કે, કનેક્ટિવિટીની રીતે વૈષ્ણોદેવી એક સ્ટ્રેટેજિક લોકેશન છે. અમદાવાદ અને ગાંધીનગર તેમજ ગિફ્ટ સિટી સાથે અહીથી સીધી કનેક્ટિવિટી મળે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આવવા જવા માટે પણ ઘણું સરળ રહે છે. તેના કારણે વૈષ્ણોદેવી અને તેની આસપાસ કોમર્શિયલ ડેવલપમેન્ટ ઘણું સારું થઈ રહ્યું છે. ગુજરાતના અન્ય શહેરોમાંથી આવતા કોર્પોરેટ્સ માટે વૈષ્ણોદેવી પહેલી પસંદ બની રહ્યું છે.
શિવલિક ગ્રુપે લોન્ચ કર્યો રૂ. 700 કરોડનો પ્રોજેક્ટ
રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રુપ વૈષ્ણોદેવી સર્કલ પર 30 માળનું આઇકોનીક કોમર્શિયલ બિલ્ડિંગ ‘શિવાલિક વેવ’ બનાવી રહ્યું છે. 12 લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલા રિટેલ અને ઓફિસ સ્પેસ ધરાવતા આ પ્રોજેક્ટમાં બુકિંગ શરૂ થયાના બે અઠવાડિયાની અંદર 4 લાખ સ્કવેર ફૂટથી વધુ જગ્યા વેચાય ગઈ છે અને માર્ચ 2025 સુધીમાં વેચાણ 6 લાખ સ્કવેર ફૂટને પાર થવાની ધારણા છે.
તરલ શાહે જણાવ્યું કે, “શિવાલિક વેવ સાથે, અમારું લક્ષ્ય એક વર્લ્ડ-કલાસ કોમર્શિયલ હબ બનાવવાનું છે. આ પ્રોજેક્ટ અંદાજે રૂ. 700 કરોડનો છે. અત્યાર સુધી જે બૂકિંગ થયા છે તેમાં કોર્પોરેટ્સ અને IT કંપનીઓ મુખ્ય છે. આ ઉપરાંત આગામી દિવસોમાં કો-વર્કિંગ અને મેનેજ્ડ સ્પેસ ઇન્ડસ્ટ્રી તરફથી પણ ડિમાન્ડ આવે તેવી સંભાવના છે.
કંપનીએ સાણંદમાં ફર્નિચર પ્લાન્ટ શરૂ કર્યો
હોમ અને ઓફિસ ફર્નિશિંગની વધી રહેલા માર્કેટને ધ્યાનમાં રાખી શિવાલિક ગ્રુપે સાણંદ GIDCમાં રૂ. 50 કરોડના ઇન્વેસ્ટમેન્ટ સાથે ફર્નિચર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવ્યો છે. આ પ્લાન્ટમાં માર્ચ 2025ના અંત સુધીમાં ઉત્પાદન શરૂ થઈ જશે. શરૂઆતમાં ઘર માટેના ફર્નિચરનું ઉત્પાદન કરવામાં આવશે અને ત્યારબાદ ઓફિસ અને કોમર્શિયલ સ્પેસ માટેના ફર્નિચર બનાવવામાં આવશે.