February 13, 2025
વારીએ ગુજરાતમાં અદ્યતન સુવિધા સાથે એડવાન્સ્ડ આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદનમાં પ્રવેશ કર્યો

વારીએ ગુજરાતમાં અદ્યતન સુવિધા સાથે એડવાન્સ્ડ આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદનમાં પ્રવેશ કર્યો

બિઝનેસ ખબરી, અમદાવાદ:

સોલર પીવી મોડ્યુલ્સના ઉત્પાદક વારી ગ્રૂપે જાહેર કર્યું છે કે ગુજરાતના વલસાડમાં તેની અદ્યતન ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન સુવિધાનો શિલાન્યાસ ગઇકાલે 10 ફેબ્રુઆરીના રોજ થયો છે. આ સુવિધા પ્રથમ તબક્કામાં 300 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા સાથે કામગીરીની શરૂઆત કરશે, જે તેને ભારતના સ્વચ્છ ઉર્જા ટ્રાન્ઝિશનમાં મહત્વપૂર્ણ સ્થાન અપાવશે.

ક્લિન એનર્જી ટેક્નોલોજીસમાં તેના વ્યૂહાત્મક વિસ્તરણના ભાગરૂપે વારીનો અદ્યતન આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન પ્લાન્ટ ભારતના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મીશન સાથે એકીકૃત છે. આ સુવિધા સ્ટીલ, રિફાઇનિંગ, પરિવહન, ખાતર, રસાયણ, ફૂડ અને પાવર જનરેશન જેવાં પ્રમુખ ઉદ્યોગોને સેવા પૂરી પાડીને ડિકાર્બનાઇઝ્ડ પ્રક્રિયામાં તેમના ટ્રાન્ઝિશનને સક્ષમ કરશે. ગ્રીન હાઇડ્રોજન માટે આવશ્યક વિશ્વ-સ્તરીય ઇલેક્ટ્રોલાઇઝર્સના ઘરેલુ ઉત્પાદનથી વારીનો ઉદ્દેશ્ય ભારતની આયાત ઉપરની નિર્ભરતામાં ઘટાડો કરવાનો તથા ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયા અને બીજા ઇ-ફ્યુઅલ સહિતની ડેરિવેટિવ્ઝ માટે વૈશ્વિક હબ તરીકે દેશની ઉપસ્થિતિને મજબૂત કરવાનો છે.

વારી ક્લિન એનર્જી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડના સીઇઓ અનુજ શર્માએ કહ્યું હતું કે, અમારી ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન સુવિધાનો શિલાન્યાસ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન ટેક્નોલોજીમાં ભારતને આત્મ-નિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે. આ અદ્યતન સુવિધાના વિકાસથી અમારો ઉદ્દેશ્ય ઉદ્યોગોને સશક્ત કરવાનોરોજગાર સર્જન તથા ટકાઉ અને હરિયાળા ભવિષ્યની રચનામાં યોગદાન આપવાનો છે.

આ સુવિધામાં મોટાપાયે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે ઉચ્ચ-કાર્યક્ષમતા, વિશ્વસનીય અને ટકાઉ ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન કરવા માટે નવીનતમ સાધનો અને ઉત્પાદન પ્રક્રિયાઓ હશે. ઓછા વીજ વપરાશ અને ફ્લેક્સિબલ કામગીરી માટે રચાયેલ આ ઇલેક્ટ્રોલાઇઝર ન્યૂનતમ જાળવણી સાથે બેજોડ કામગીરી પ્રદાન કરશે. આ સુવિધામાં ઇલેક્ટ્રોલાઇઝર સ્ટેક્સ માટે ઓટોમેટેડ એસેમ્બલી લાઇનનો પણ સમાવેશ થશે, જે ચોકસાઇ અને સ્કેલેબિલિટી સુનિશ્ચિત કરશે.

વારીએ તાજેતરમાં 300 મેગાવોટ ઇલેક્ટ્રોલાઇઝર ઉત્પાદન ક્ષમતા માટે અને ભારત સરકારની સાઇટ (સ્ટ્રેટેજીક ઇન્ટરવેન્શન્સ ફોર ગ્રીન હાઇડ્રોજન ટ્રાન્ઝિશન) હેઠળ વાર્ષિક 90,000 એમટી ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) પ્રાપ્ત કર્યું છે. આ સીમાચિહ્ન સાથે વારીએ વૈશ્વિક હાઇડ્રોજન સપ્લાય ચેઇનને મજબૂત કરવા તથા ક્લિન એનર્જી ટ્રાન્ઝિશનમાં ભારતના નેતૃત્વને મજબૂત કરવામાં મજબૂત કદમ ભર્યું છે.